Sunday, April 24, 2016

ખ-ક1

મારું હાળું, એના મગજમાં શું ય ભૂત પેઠું ?
તે આ આકાશ, એક વાર કવિતા લખવા બેઠું 

મેહુલની હારે, વીજળીના અજવાળે
આજે આકાશ ચડ્યું કવિતાને રવાડે
છુપાયો વાદળ પાછળ સવિતા
ને ઘોડાપુર સાથે દોડી સરિતા

ગગનની ગર્જના થતા, ઝરણું તો જાય નાઠું
આ આકાશ, એક વાર કવિતા લખવા બેઠું 

હરિત વસ્ત્રે શરમાણી  આ ધરા
પણ નભ-કથા ના સમજી જરા
બારી વગરના દીવાનખંડને સજાવવા
વિરાટના વૈભવને કચકડે કંડારવા

કોઈક કલારસીકે કેમેરાને ક્લિક કીધું
આ આકાશ, એક વાર કવિતા લખવા બેઠું 

વ્યર્થ વાતો નદી ઝરણા આગળ
કદાચ થોડુક સમજ્યો સાગર !
ન સમજ્યા ધરતી, ચંદ્ર કે રવિ
એ વાત સમજી ગયો એક કવિ

ઇન્દ્ર-ધનુષ સેતુ વાટે આકાશ અવતર્યું હેઠું
આ આકાશ, એક વાર કવિતા લખવા બેઠું 

"ક્યારેક ઉદય તો ક્યારેક અસ્ત,
છેવટે તો બધું થતું કાળગ્રસ્ત
ચાહે હોય શ્યામ વાદળોની ઘટા
કે હોય સંધ્યા - ઉષા ની વૈભવી છટા

પણ મુજ સ્થિતપ્રજ્ઞને મન એ બધું સરખું
આ આકાશ, એક વાર કવિતા લખવા બેઠું 

"હિમત નવ હારજે કદી, તું વિપતીમાં
ગુલમહોર ખીલે કાળઝાળ ગરમીમાં
કશું નથી અહીં સનાતન શાશ્વત
જે બને તે જોયે રાખ તું સાક્ષીવત

જે આજે છે ચડતીમી, તે કાલે પડતું હેઠું
મનિષ મારું આ ખ-કવન લોકોને  કહેજે તું "

મારું હાળું, એના મગજમાં શું ય ભૂત પેઠું ?
તે આ આકાશ, એક વાર કવિતા લખવા બેઠું 

No comments: