Sunday, July 05, 2015

જુદા - જુદા

આ ગઝલના છે સર્વ શેર જુદાજુદા
દરેક શેરમાં છે, અંદાજ જુદાજુદા

ક્ષણોના સરવાળાની જિંદગીની અદા
જેમાં હર ક્ષણે છે મિજાજ જુદાજુદા

દોસ્તો અને દુશ્મનોના ક્યાં નામ છે અલાયદા?
માત્ર બોલવાના છે, અલ્ફાઝ જુદાજુદા

ભલે હોય સર્વને માટે, સમાન કાયદા
રંક-રાયને માટે છે ગજ જુદાજુદા

કોઈ ધિક્કારે છે તો કોઈ થાય છે ફિદા
ચહેરા એક જ છે, છે મહોરા જુદાજુદા


નથી સાંભળવી  કોઈને પોતાની નિંદા
પણ ચર્ચાય છે અન્યના દોષો જુદાજુદા 

જ્યારે સહસા આવી પડે છે કોઈ વિપદા
તો મુખ ફેરવી લે, સંબંધી જુદાજુદા 

અસત્યને પક્ષે જાય છે બધા ચુકાદા
સત્ય માટે મંગાય છે પુરાવા જુદાજુદા 

ખુરશીને લોભે નેતા બને પ્રિયંવદા
રામના નામે તરે પત્થરા જુદાજુદા 

ખાદીના સ્વચ્છ કપડા, પણ છે મન ગંદા
ચાવવાના-દેખાડવાના દાંત જુદાજુદા 

આ સંઘ કાશીએ પહોંચશે કદા ?
છે દરેક નાવિકના, કિનારા જુદાજુદા 

નથી રહેતું અહી કોઈ સુખી સર્વદા
બદલે છે દુ:ખના પ્રકાર જુદાજુદા 

દરિદ્રનારાયણને દે દ્વારેથી જ વિદા
પછી પૂજે નિષ્પ્રાણ પત્થરો જુદાજુદા 

પસ્તાતા હશે ક્યારેક ઉપર બેઠા ખુદા,
વ્યર્થમાં મોકલ્યા પયંગબરો જુદાજુદા 

અજ્ઞાનના તિમિર હણોને માં શારદા
આત્મા પર છે માયાના પડ જુદાજુદા 

શા માટે ગઝલ રચો છો, પંચમદા?
સુલભ છે ઊંઘવાના ઔષધ જુદાજુદા 

Sunday, May 03, 2015

IC-7485 "એ"

એક વખત મને થઇ અંત:સ્ફૂરણા કે કૈંક લખું 
પણ હૃદયના ભાવવાળા શબ્દો જ ન જડ્યા તો શું લખું?

શિયાળાની સવારે પુષ્પ પરની તુષારબિંદુઓની જોઈ સવારી પણ...
ભીંજાયેલા મુખ પર નીતરતા પાણીને જોઇને થયું કૈંક લખું

એ તુષારબિંદુઓમાં ઉગતા સૂર્યનું પ્રતિબિંબ જોયું પણ...
તમારી આંખોમાં પડતા મારા પ્રતિબિંબને જોઇને થયું  કૈંક લખું

વાદળોની ઘટા વચ્ચે જોયું એક ઇન્દ્રધનુષ રંગબેરંગી પણ...
ચાંદ જેવા ખુબસુરત ચહેરા પરના તલને જોઇને થયું  કૈંક લખું

પવનની લહેરખીઓથી લહેરાતા જોયા એ લીલા ઘાસ પણ...
હવાથી ઉડતી તમારી જુલ્ફોને જોઇને  થયું કૈંક લખું

સરોવરજળમાં કાંકરી ફેકતા ઉઠતા જોયા તરંગો પણ....
હસતી વખતે તમારા ગાલમાં પડતા ખંજનોને  જોઇને થયું કૈંક લખું

ભરતી વખતે ઘૂઘવતા સમુદ્રમાં જોઈ એ ઉઠતી લહેરો  પણ...
નીલીનીલી આંખોમાં ઉછળતા પ્રેમના સાગરને જોઇને  થયું કૈંક લખું

ક્ષણભર માટે ચમકીને છુપાઈ જતી જોઈ એ વીજળી પણ...
આંખોમાં છુપાયેલ એ એકરારને જોઇને  થયું કૈંક લખું

પહાડ પરથી ખળખળ વહી જતા જોયા ઝરણા પણ...
તમારા ખડખડાટ નિર્દોષ હાસ્યને જોઇને થયું  કૈંક લખું

ઉપર નીલા આકાશમાં હારબંધ ઉડી જતા પંખીઓને જોયા પણ...
હસતી વખતે દેખાતી દાડમકળી જેવી દંતપંક્તિને  જોઇને થયું કૈંક લખું

મૃદુ સ્પર્શથી શરમાયેલ જોયા એ લજામણીના પાન પણ...
લજ્જાથી ઝુકેલી એ પલકોને  જોઇને થયું કૈંક લખું

ઉનાળાની બપોરના જોયો એ ધગધગતા સૂર્યને પણ...
ગુસ્સાથી વધુ સુંદર થયેલ ચહેરાને જોઇને  થયું કૈંક લખું

સૂર્યનાં કોમળ કિરણોમાં મંદમંદ મલકાતું જોયું એક ગુલાબ પણ...
રતુબંડા હોઠો પરના એ મંદ સ્મિતને  જોઇને થયું કૈંક લખું

આમ્રકુન્જમાં છુપાઈને ટહુકતી કોયલનો ટહુકો સાંભળ્યો પણ...
તમારા કોકિલકંઠી સુમધુર ધ્વનિની મીઠાશ સાંભળીને  થયું કૈંક લખું

ખીલતી કળીમાંથી ઉગતા ફૂલને જોયું એક વખત પણ....
એ આંખોમાં ઉગતા એક ગુલાબી સ્વપ્નને  જોઇને થયું કૈંક લખું

સંગીતના સાતેય સૂરોની સરગમ સાંભળી જોઈ પણ....
તમારા પગે બંધાયેલ ઝાન્ઝારોના ઝણકાર માટે  થયું કૈંક લખું

વર્ષાના પહેલા સ્પર્શે રોમાંચિત થયેલ જોઈ એ ધરતીને પણ....
ચોરીછૂપીથી થયેલ તમારા પહેલા સ્પર્શ માટે થયું  કૈંક લખું

એક વાર એક રંગબેરંગી પતંગિયાને ફૂલ પર બેઠેલું જોય પણ...
મારી સામે તમને બેસેલ જોઇને થયું  કૈંક લખું

ચંદ્ર ચકોર અને તારાઓ પણ બન્યા એ વાતના સાક્ષી કે,
રાતભર જાગતી "એ" ને જોઇને મનિષને થયું  કૈંક લખું

પણ શું લખું?

ન કહો

અહીં નહિ તો બીજે  ક્યાંક જરૂર present છે.
માટે એ શખ્સને તમે absent ન કહો 

જુઓ, સૂર્યનો ક્ષિતિજને પેલે પાર ઉદય થયો છે.
માત્ર સીમિત દ્રષ્ટિ રાખી તેને સુર્યાસ્ત ન કહો 

અમે તો માત્ર મૌન ધારણ કર્યું છે
ગેરસમજણથી તેને તમે અબોલા ન કહો

કોઈકે તો જરૂર એ વસ્તુ મેળવી જ હશે
પછી, તમે તે ગુમાવ્યું છે તેમ ન કહો

જુઓ મંઝીલ માત્ર એક વેંત જ છેટી છે.
પાસ રહેલી એ મંઝીલને જોજનો દૂર ન કહો

અમે તો મુશીબતોમાં પણ આશાવાદી છીએ
અમારી એ સોનેરી આશાને તમે મૃગજળ ન કહો

જુઓને આ પ્યાલો અડધો તો ભરેલો છે
એ અડધા ભરેલા પ્યાલાને અડધો ખાલી ન કહો

ચાર દીવાલ અને છતનો સરવાળો છે, એ તો
એવા મકાનને તમે ઘર ન કહો

મંઝીલ સુધી લઇ જતા stepping stone છે
તેમને તમે માર્ગમાંના અવરોધો ન કહો

આ કવિતામાં વખાણવા લાયક કશું જ નથી
માટે please આ વાંચીને તમે nice ન કહો

શૈલેશ

અહીં તો ચારેબાજુ ઠેરઠેર
કુદરતી સૌન્દર્ય છે વેરવિખેર

રાત્રે તારાઓનું અદ્ભુત સંગીત
સવારે ઉગતી ઉષાનું મધુરું ગીત

ફૂલો પર ઝાકળના ભીના હસ્તાક્ષર
ક્યારેક ધુમ્મસની પથરાય ચાદર.

સાંજે વાદળોની અવનવી ઘટા
બીજનો ચંદ્ર જાણે શીવજીની જટા

વિરાટ વૈભવનો માલિક હિમાલય
જાણે પરમ શાંતિસભર શિવાલય

અલકનંદાનું ઠંડુ ઠંડુ પાવન પાણી
ખળખળ વહેતા ઝરણાની મીઠી વાણી

મૌન સૃષ્ટિના સુરીલા સાઝ
મુક સંદેશ આપે છે નગાધિરાજ

બર્ફીલા પહાડો પાછળ નીલું આકાશ
મંદિરમાં આરતી દીપનો દિવ્ય પ્રકાશ

સાત્ત્વિક પાવન, પવિત્ર આબોહવા
દિલમાં જન્મે શુભ સંકલ્પ અવનવા

જય બાબા અમરનાથ  

મેહુલ

કવિની કલમ મૌન તોડે છે
ત્યારે કલ્પનાના ઘોડા દોડે છે.

આભની અટારીએથી કોઈક
મેઘધનુષની રંગોળી દોરે છે.

સંધ્યા અને ઉષા તેમાં
અવનવા રંગો પૂરે છે.

ગગનગોખલે વીજળીરાણી
ઝુમ્મર લટકાવે છે.

વાદળોના ઘૂંઘટ પાછળ
સૂર્ય ઘડીભર ઝોકે ચડે છે.

વનરાઈ સ્નાન કરી
શૃંગાર સુંદર સજે છે.

દોડી-દોડીને પવન લીલી
ધરણી પર અત્તર છાંટે છે.

ધરણીના હરિત વસ્ત્રો
ભીની-ભીની ખુશ્બુથી મહેકે છે.

મલકાતી ધરાના તળાવરૂપી
ગાલ પર ખંજન પડે છે.

વર્ષારાણીને વધાવવા
દેડકા બેન્ડવાજા વગાડે છે.

પાંખોવાળા મંકોડા જ્ઞાતિનું
સ્નેહ સંમેલન આયોજે છે.

રખડું ઝરણાઓ જોગીંગ
માટે નીકળી પડે છે.

મેહુલનો વૈભવ માણવા
મનિષ કલમ અટકાવે છે.


Friday, May 01, 2015

Who is She?

એ તેજ ઝરતી આંખો
મારા શમણા ને  આપે છે પાંખો

આંખોમાં ઘૂઘવતો નીલ સમંદર
છે મને દીવાના થઇ જવાનો ડર

એ સૌન્દર્યનો સાગર અપાર
દિલના ઝણઝણાવી દે છે તાર

એને એક વખત  જોયા બાદ
નથી બીજા કોઈ ચહેરા મને યાદ

જોવાને તેની બસ એક ઝલક
મારી આંખો તરસે છે સદા અપલકરતુંબડા ગાલોમાં પડતા એ ખંજન
હૃદયમાં જગાવે છે કંઈક  સ્પંદન

એ મીઠું અને મારકણું  સ્મિત
મૂકે છે મન પર એક છાપ અમિત

આત્મીયતાનો અનેરો અહેસાસ
એ જ તો એની ખાસિયત છે ખાસ

એ ન હોય તો જાણે  બધું અધૂરું અધૂરું
એનું સ્મરણ વાગોળું છું મધુરું મધુરું
અને આ કાવ્ય અહીં કરું છું પૂરું


Snapshot

જિંદગી ની હર પલ.....ગુજરે બસ આમ જ ..

આનંદ, શાંતિ સંતોષ   ....
એ સ્મિત  ....
સૂર્યોદય સમયે પંખીઓનો કલરવ  ....
એ સંધ્યાનો સોનેરી પાલવ....
ખળખળ  વહી જતા ઝરણાઓ ....
દોડી જતી સરિતાઓ ....
પર્વતોના ઉતુંગ શિખરો ....
હારાબંધ ઉડી જતા પક્ષીઓ
તો ક્યાંક ....


તો ક્યાંક વળી ,
માનવીની આંખોમાં ટપકતી લાચારી ....
એ જુઠા વચનો ....
એ કદી સાકાર ન થનારા સ્વપનાઓ ....
એ દેવાના ડુંગરો ....
એક બાપની લાચારી ....
એક કામદારની લાચારી ....
એક બેકાર યુવાનની લાચારી ....
એ પેટનો ખાડો  ....
એ મજબુરી
તુચ્છકાર , વેદના , આત્મધિક્કારની ખીણ ....

આ બધાથી
અલિપ્ત ....
કોઈક યોગી....
કોઈક સાક્ષી, કોઈક કર્મિષ્ઠ, કોઈક નિર્લેપ ....
ન સુખી, નાં દુ:ખી ....
આંતરખોજને વરેલ ....
તરણા ઓથેથી ડુંગર શોધનાર ....

જિંદગી ની હર પલ.....ગુજરે બસ આમ જ ..

હર પલ.... આ પૃથ્વી પર ....
કોઈ છે સુખી, કોઈ ઉન્મત્ત , કોઈ દુ:ખી - લાચાર
અને કોઈ આનંદી અલિપ્ત
જિંદગી ની હર પલ.....ગુજરે બસ આમ જ ....

અનોખી

એની સર્વ અદાઓ છે બધાથી નોખી
બોલો બોલો કોણ ? એ તો કોઈ અનોખી 

બોલે છે સૌ શબ્દોને જોખી જોખી
પણ એની અસ્ખલિત વાણી અનોખી 

તણખા ઝરતી એ નજરો તીખી તીખી
પણ શીતળ સૌમ્યતા એ આંખોનો અનોખી 

કોમળ  હૃદય અને ચહેરા પર તુમાખી
મદભરી ચાલની એ ખુમારી અનોખી 

Time t = 0

ભૂત અને ભવિષ્ય ને ભૂલીને જીવીએ
ચાલોને આ ક્ષણમાં જીવીએ 

એ મધુર સંસ્મરણોની યાદો ભૂલીને
અનાયાસે થઇ ગયેલી ભૂલો ભૂલીને
"જો આમ થયું હોત તો કાશ ..."
કહી, નશીબને દોષ ના દઈએ
આવનારી તકો ઓળખીએ
ચાલોને આ ક્ષણમાં જીવીએ

ભવિષ્ય માટેની સોનેરી કલ્પના
પણ તે તો છે અમૂર્ત શમણાં
સાકાર તેમને કરવાને માટે
પુરુષાર્થ લગનથી કરીએ
બસ હવે તો મંડી જ પડીએ
ચાલોને આ ક્ષણમાં જીવીએ

કહો મને એક આ ક્ષણ સિવાય
જીવન બીજું છે પણ શું ?
ન ભૂત ન ભવિષ્ય ન વર્તમાન
તું તો છે આ બધાની પેલે પાર
આજ અને કાલનો ભ્રમ છોડીને
નિત્ય નૂતનકાળમાં જીવીએ
ચાલોને આ ક્ષણમાં જીવીએ