Sunday, April 24, 2016

કાવ્ય - સ્ફૂરણા

બપોરે  બરાબર બાર વાગ્યે  પર  જ્યારે માથા પર આવ્યો  સવિતા;
ત્યારે બુદ્ધિ  બગડતા કર્યો સંકલ્પ  -  હું પણ લખું એક  કવિતા 

કલમ ઝાલી ચડ્યો વિચારે કે - "નથી દેખાતી ક્યાંય નવીનતા;
બીજું બધું તો ઠીક છે, પણ લખવી શાના પર મારે કવિતા?"

પહેલી વર્ષા, ઘૂઘવતો સાગર કે ખળખળ વહી જતી સરિતા;
કે પહેલો પહેલો પ્રેમ ને કોઈના રૂપ પર લખું હું એક કવિતા ?

ગરીબી ને મોંઘવારી, વળી નિરક્ષરતા ને સામ્પ્રદાયિક્તા;
કે કૌભાંડોયુક્ત ગંદા રાજકારણ પર જે લખું એક કવિતા? 

કવિ કલ્પનાઓ પણ વિચારી - મૃગજળ, ખપુષ્પ ને સ્વર્ગની દિવ્યતા ;
શમા પરવાના, ચંદ્ર - ચકોર,...વગેરે તોયે  ના સુઝી કોઈ કવિતા !

લખ્યું થોડું આડુંઅવળું ત્યાં પેનમાં રીફીલને વિષે થઇ રિક્તતા;
રીફીલ બદલી, કડક ચા પીધી ને ફરી બેઠો લખવા હું કવિતા .

એકાએક સ્ફૂર્યો વિચાર ને સર્જાઈ આ સોનેટ પ્રકારની કવિતા.
મનિષ ! કાવ્યસર્જનના પ્રયત્નો પર જ લખી નાખ એક કવિતા.

No comments: