Sunday, May 03, 2015

મેહુલ

કવિની કલમ મૌન તોડે છે
ત્યારે કલ્પનાના ઘોડા દોડે છે.

આભની અટારીએથી કોઈક
મેઘધનુષની રંગોળી દોરે છે.

સંધ્યા અને ઉષા તેમાં
અવનવા રંગો પૂરે છે.

ગગનગોખલે વીજળીરાણી
ઝુમ્મર લટકાવે છે.

વાદળોના ઘૂંઘટ પાછળ
સૂર્ય ઘડીભર ઝોકે ચડે છે.

વનરાઈ સ્નાન કરી
શૃંગાર સુંદર સજે છે.

દોડી-દોડીને પવન લીલી
ધરણી પર અત્તર છાંટે છે.

ધરણીના હરિત વસ્ત્રો
ભીની-ભીની ખુશ્બુથી મહેકે છે.

મલકાતી ધરાના તળાવરૂપી
ગાલ પર ખંજન પડે છે.

વર્ષારાણીને વધાવવા
દેડકા બેન્ડવાજા વગાડે છે.

પાંખોવાળા મંકોડા જ્ઞાતિનું
સ્નેહ સંમેલન આયોજે છે.

રખડું ઝરણાઓ જોગીંગ
માટે નીકળી પડે છે.

મેહુલનો વૈભવ માણવા
મનિષ કલમ અટકાવે છે.


No comments: